Category: પાથેય્ – સાધના


201612032139

Advertisements

વિદ્યાર્થી જીવનકાળ દરમિયાન હું છાત્રાલયમાં રહેતો હતો. એક વખત થોડા સમય માટે મારે બહાર જવાનું થયું. જતી વખતે મારા ઓરડાને બંધ કરી એને તાળું માર્યું. પડોશમાં રહેતા મારા એક મિત્રે પૂછ્યું, ‘લાગે છે કે તમે પાંચ-દસ મિનિટમાં જ પાછા આવવાના છો, તો પછી ઓરડાને તાળું કેમ માર્યું? અમે બધા અહીં જ છીએ. અહીં કોઈ ચોર આવે એવી શક્યતા નથી. પછી તાળું મારવાની શી જરૂર?’

‘તમારું કહેવું સાચું છે. અહીં ચોર આવવાના નથી. અહીં ચારેકોર ચોર છે એવું મારું કહેવું પણ નથી,’ મેં એમને કહ્યું, ‘પરંતુ આપ્ના જેવા સજ્જનોના મનમાં પણ ઓરડો ઉઘાડો જોઈ એકાદ વસ્તુ ઉઠાવવાનું મન કોઈને થાય એવું મને લાગે છે. આ તાળું ચોરો માટે નથી માર્યું, પરંતુ સારા લોકો ચોર ન બને એ માટે માર્યું છે.’

વિશ્ર્વમાં બધા જ સ્વાર્થી, લોભી છે એ માટે નહિ પરંતુ આપણને દુર્બળ, અસંગઠિત જોઈ એમનામાં આક્રમણ કરવાની વૃત્તિ પેદા ન થાય એ માટે આપણું ઘર કે આપણું રાષ્ટ્ર સુરક્ષિત અને સંગઠિત રહે એ જરૂરી છે.

– શ્રી ગુરુજી

…….હાઈસ્કૂલના પહેલા વરસનો એક પ્રસંગ. શિક્ષણ ખાતાના ઇન્સ્પેક્ટર આવેલા,. તેમણે પહેલા ધોરણના છોકરાઓને પાંચ અંગ્રેજી શબ્દ લખાવ્યા. એક શબ્દ હતો : Kettle. મોહને તેની જોડણી ખોટી લખી. માસ્તરે તેને પોતાના બૂટની અણી મારી ચેતવ્યો. પણ મોહન સમજ્યો જ નહીં કે માસ્તર તેને સામેના છોકરાની પાટીમાં જોઈ લઈ જોડણી સુધારવાનું કહે છે. માસ્તર તો છોકરાઓ એકબીજામાંથી ચોરી ન કરે તે જોવા માટે હોય ને. તે કાંઈ સામે ઊઠીને કોઈને ચોરી કરવાનું થોડું જ કહે ? મોહનના મનમાં આવી પાકી છાપ. તેથી પરિણામ એ આવ્યું, બધા છોકરાના પાંચે શબ્દ ખરા પડ્યા અને એકલો મોહન ઠોઠ ઠર્યો ! તેની ‘મૂર્ખાઈ’ કે ‘બાઘાઈ’ તેને માસ્તરે પાછળથી સમજાવી. પણ તોયે મોહનના મન ઉપર તે સમજૂતીની કશી અસર ન થઈ. તેને બીજા છોકરાઓમાંથી ચોરી કરતાં કદી આવડ્યું જ નહીં ! આથી જ મોહન મોટો બનતાં સત્યનો મહાન ઉપાસક બની શક્યો અને મહાત્માનું બિરૂદ પામ્યો. આ મોહન તે મહાત્મા ગાંધી……

શૌર્યને વંદન

સ્વામી વિવેકાનંદનાં શિષ્યા ભગિની નિવેદિતા આંગ્લ મહિલા હોવા છતાં તેમને ભારતીય સંસ્કૃતિ અને ધર્મ પ્રત્યે એટલી બધી શ્રદ્ધા હતી કે તેઓ કોઈ પણ સ્થળે ભારતીય સંસ્કૃતિનો પ્રાચીન અવશેષ જોતાં તો તરત જ તેઓ એનો આદર કરી માનપૂર્વક તેને વંદન કરતાં.

એકવાર તેઓ સારનાથ ગયાં. સારનાથમાં જૂના પથ્થરો અને લાકડાના ટુકડાઓ પર બૌદ્ધ સંસ્કૃતિનું અદ્ભુત ચિત્રકામ હતું. કેટલાક પથ્થરો પર ભગવાન બુદ્ધનાં ઉપદેશ-વાક્યો લખવામાં આવ્યાં હતાં.

જોતાં જ એ સન્નારીનું મન હર્ષથી નાચી ઊઠ્યું. તેમણે ત્યાંનાં રખેવાળને પૂછ્યું, ‘‘ભાઈ, હું આને સ્પર્શી શકું?’’

રખેવાળે કહ્યું, ‘‘હા, ચોક્કસ! પણ એમાં પૂછવાનું શું? અને મને એ પણ કહો કે સ્પર્શથી આપ્ને શું મળશે?’’

અને સન્નારીએ જે જવાબ આપ્યો તે સૌ દેશવાસીઓએ યાદ રાખવા જેવો છે. તેમણે કહ્યું, ‘‘ભાઈ! આ માત્ર પથ્થરો નથી! આ તો પાવન તીર્થો છે. આવા તમામ સ્મારકો આપણા સૌ માટે તીર્થ સમાન હોવા જોઈએ. એનાં સ્પર્શથી મનને શાંતિ મળે છે.’’

જે ભૂમિ પર શૂરવીરો જન્મ્યા છે, જે ભૂમિ માટે બલિદાનો આપ્યા છે, શૌર્ય દાખવીને ભૂમિનું રક્ષણ કર્યંુ છે એ તમામ ભૂમિ, સ્મારકો, સ્થાપત્યો, સ્થાનો અને ભૂમિનો કણકણ આપણા સૌ માટે શૌર્યતીર્થો છે. આપણે એ ભૂમિની મુલાકાત લઈને, એને સ્પર્શીએ, વંદન કરીએ અને એની માટી માથે ચડાવીએ, એ જ આ શૂરવીરો અને શૌર્યતીર્થોનું સાચું સન્માન છે.

ગાંધીજી જ્યારે ગોળમેજી પરિષદ વખતે વિલાયત ગયા હતા ત્યારે ત્યાંના લોકો ઉપર એમનો પ્રભાવ ન પડે એટલા માટે છાપાંવાળાઓએ એમના વિરુદ્ધ પ્રચાર આદરેલો : ‘ગાંધી તો કદરૂપો છે, ઠીંગણો છે, કાળો છે, રિસાળ છે, અસભ્ય છે. પૂરતાં કપડાં પણ પહેરતો નથી.’ આવા કંઈકંઈ જાતના સમાચારો જનતામાં વહેતા મૂકેલા. પણ મહાત્માજીએ પોતાની આત્મપ્રતિભાથી ત્યાંના સૌને મંત્રમુગ્ધ કરી દીધા. સખત ઠંડી હોવા છતાંય, ચંપલ અને કચ્છ પહેરીને, વહેલી સવારે ગાંધીજી ફરવા નીકળી પડે. જ્યારે તે ફરવા નીકળે ત્યારે ગોરાં ભૂલકાંઓ આવીને સામાં ઊભાં રહે. ગાંધીજી સાથે હસ્તધૂનન કરે. વાતો કરે. બાળકો હરખાય. ઘેર જઈને મા-બાપ્ને ગાંધીજીની બધી વાતો કરે. એક દિવસ એક ગોરા બાળકે ગાંધીજીને રાજમાર્ગ પરથી જતા જોયા. એટલે એની માને બૂમ પાડીને કહ્યું : ‘બા…બા… જલદી બહાર આવ… ગાંધીકાકા આવ્યા.’ ઘરકામ પડતું મૂકીને અંગ્રેજ બાઈ બહાર આવી. ગાંધીજીને જોઈને એ ઠરી ગઈ : ‘મૂઆ, છાપાંવાળા કેવા ધુતારા છે! એ લખે છે કે ગાંધી કદરૂપો છે, ઠીંગણો છે, કાળો છે, રિસાળ છે. આવું તો અહીં કંઈ જ દેખાતું નથી. ગાંધી તો ઘઉંવર્ણો છે. પ્રેમાળ છે, સાધુપુરુષ જણાય છે.’ ગાંધીજીના આત્મસૌંદર્યથી વિલાયતનાં ઘણાંય સ્ત્રીપુરુષો ને બાળકો ઘેલાં બનેલાં. આત્મસૌંદર્ય પાસે દેહસૌંદર્ય ફિક્કું પડે છે.

લાલબહાદુર શાસ્ત્રી વડાપ્રધાન બન્યા ત્યારે તેમના પુત્રોએ એવો આગ્રહ કર્યો કે, અમારા માટે એક મોટર ખરીદવામાં આવે.
એક દિવસ સાંજના સમયે લાલબહાદુર શાસ્ત્રી પોતાના કુટુંબ સાથે વાતો કરતા બેઠા હતા. એ દરમિયાન તેમણે કહ્યું : ‘મોટર ખરીદવાનું મેં નક્કી કર્યું છે.’
બાદ તેમણે પોતાના ખાનગી સચિવને બોલાવ્યો અને પૂછ્યું ‘બેન્કમાં મારા ખાતામાં કેટલી રકમ જમા છે?’
સચિવે કહ્યું : ‘ચાર હજાર રૂપિયા.’
‘અને મોટરની શી કિંમત થાય?’
‘બારેક હજાર રૂપિયા જેટલી!’
છેવટે શાસ્ત્રીજીએ સરકારી ઋણ લઈને એક મોટર ખરીદી. તેમને હતું કે ધીમે ધીમે હું આ ઋણ ચૂકવી દઈશ. પણ એવામાં 1966ના જાન્યુઆરીની 11મી તારીખે તેમનું અચાનક મૃત્યુ થયું.
સરકારે શાસ્ત્રીજીએ ઋણ તરીકે લીધેલી રકમ માફ કરવાનું નક્કી કર્યું, પરંતુ શાસ્ત્રીજીનાં વિધવા પત્ની લલિતાદેવીએ પોતાના પતિના આદર્શને ધ્યાનમાં રાખીને સરકારના નિર્ણયનો અસ્વીકાર કર્યો અને શાસ્ત્રીજીના કુટુંબને મળતા માસિક નિવૃત્તિવેતનમાંથી ચાર વર્ષ સુધીમાં હપ્તે હપ્તે ઋણની રકમ ચૂકવી આપી. એ રીતે બધું ઋણ તેમણે સરકારને ચૂકવી દીધું.
શ્રીમતી લલિતાદેવીએ આ રીતે પતિના ઉચ્ચ આદર્શને જરા પણ ઝાંખપ લાગવા દીધી નહિ.
શ્રીમતી લલિતાદેવી જેમ પતિના આદર્શ મુજબ જીવ્યા તેવો આદર્શ દરેક ભારતીય પણ અપ્નાવે તો કેવું !

વંદેમાતરમ્ ગીત તથા ‘આનંદમઠ’ નવલકથાના રચનાકાર બંકિમચંદ્ર ચટોપાધ્યાય એ દિવસોમાં ખુલના (પશ્ર્ચિમ બંગાળ)માં ન્યાયાધીશ હતા. એકવાર એક અંગ્રેજ અધિકારીએ દારૂના નશામાં ચૂર થઈને હાથીની સૂંઢમાં મશાલ બાંધીને એક ગામડાની ઝૂંપડીઓને બાળી મૂકી. મેજિસ્ટ્રેટે પોલીસને હુકમ કર્યો કે તે ગોરા અંગ્રેજ અધિકારીને પકડીને હાજર કરવામાં આવે. તે અધિકારી પોતાની પાસે હંમેશા પિસ્તોલ રાખતો હતો, તેથી પોલીસ જમાદાર તેની સામે ઊભેલો છતાં તેને પકડવાની હિંમત કરી શક્યો નહીં. બંકિમચંદ્ર અદાલતમાંથી બહાર આવ્યા અને તે અત્યાચારીને પકડીને મેજિસ્ટ્રેટની સામે રજૂ કર્યો. નિયમ પ્રમાણે અંગ્રેજનો કેસ ભારતીય ન્યાયાધીશની અદાલતની જગ્યાએ ઉચ્ચ ન્યાયાલયમાં અંગ્રેજ ન્યાયાધીશની અદાલતમાં રજૂ કર્યો. બંકિમચંદ્રે ઉચ્ચ ન્યાયાલયમાં પહોંચીને તે ગોરા અધિકારીની વિરોધમાં જુબાની આપી અને ત્યાં સુધી શાંતિથી બેઠા નહીં જ્યાં સુધી તેને સજા મળી નહીં. આગળ જતાં આ જ બંકિમચંદ્રબાબુનું રચેલું વંદેમાતરમ્ ગીત ક્રાંતિકારીઓ અને સૌ ભારતવાસીઓની પ્રેરણાનો સ્રોત બનીને અમર થઈ રહ્યું.

એક યુવાન ઓલિમ્પિકની રમતોમાં તરવાની સ્પર્ધામાં ભાગ લેવાની તૈયારી કરી રહ્યો હતો. ભગવાન પર ખૂબ જ શ્રદ્ધા ધરાવતા કુટુંબમાં એનો ઉછેર થયો હતો.

એક દિવસ રાત્રે નવ વાગ્યે એ એના ઘરની બાજુના જાહેર સ્નાનાગરમાં પહોંચ્યો. સ્વિમિંગ પુલની બધી જ લાઇટો બંધ જોઈને એને નવાઈ લાગી. સ્વિમિંગ પુલની આજુબાજુની ઊંચી દીવાલોને કારણે અંધારું પણ ઘણું જ લાગતું હતું. પોતાની ધૂનમાં મસ્ત એ કૂદકો મારવાના સૌથી ઊંચા પાટિયા-ડાઇવિંગ બોર્ડ સુધી પહોંચ્યો. કૂદકો મારવા પાટિયા પર ઊંધો ઊભો રહીને બંને હાથ પહોળા કર્યા. એ જ સમયે પાછળના રોડ પરની લાઇટના લીધે સામેના બિલ્ડિંગ પર પડતો પોતાનો જ વિશાળ પડછાયો એની નજરે પડ્યો. પહોળા કરેલા હાથ અને ઊંચા માથાના વાળને કારણે એને પડછાયો શ્રીકૃષ્ણ જેવો લાગ્યો. આવું દ્શ્ય જોતાં જ એના દિલમાં આસ્થાનો એક આવેગ આવી ગયો. કૂદકો મારવાનું બે ક્ષણ માટે મુલતવી રાખીને એ પ્રાર્થના કરવા માટે ઝૂક્યો અને મોટેથી બોલી ઊઠ્યો, ભગવાન ! મારા પર કૃપા રાખજો !

જોરથી બોલાયેલા એના શબ્દો સાંભળી પુલની રખેવાળી કરતા ચોકીદારે સ્વિમિંગ પુલની બધી લાઇટ્સ ચાલુ કરી દીધી. અચાનક પથરાઈ ગયેલા અજવાળાને કારણે પેલા યુવાને નીચે જોયું. એ સ્તબ્ધ અને ગળગળો થઈ ગયો. એ દિવસે સાફસૂફી માટે સ્વિમિંગ પુલ ખાલી કરી નાખવામાં આવ્યો હતો. એમાં જરા પણ પાણી નહોતું. જો એણે કૂદકો મારી દીધો હોત તો ? એવો વિચાર પણ એને ધ્રુજાવી ગયો. ખરેખર ભગવાને એની પ્રાર્થના સાંભળી હતી. એ યુવાન ક્યાંય સુધી ઝૂકીને આંસુ ટપકતી આંખે ભગવાનનો આભાર માનતો બેસી રહ્યો.

ખરેખર ! એને યાદ કરીએ અને એ ન સાંભળે એવું ક્યારેય બનતું નથી. બસ, જરૂર હોય છે એને દિલથી સાદ પાડવાની.

કોના માટે ?

એક વખત એક નાનકડી પણ તોફાની નદીને કેટલાંક માણસો પસાર કરી રહ્યાં હતાં. નદી પર પુલ નહોતો. આવતાં-જતાં લોકોએ સ્વઅનુભવથી અમુક રસ્તો નક્કી કરી લીધો હતો. બધાને ખબર હતી કે આ આશરે નક્કી કરેલા રસ્તાની બંને તરફ જ થોડાંક પગલાં દૂર જવાથી ઊંડા ખાડા અને વમળ હતાં.

પસાર થઈ રહેલાં માણસોમાં એ દિવસે એક વૃદ્ધ માણસ પણ હતો. અવસ્થા અને આંખની થોડીક નબળાઈના કારણે મહામુશ્કેલીથી એણે રસ્તો પસાર કર્યો. એની પાછળ જ પોતાના નાનકડા બાળકનો હાથ પકડીને માંડમાંડ રસ્તો પસાર કરી રહેલી એક સ્ત્રીને જોઈને એમને દયા આવી ગઈ. એ દાદા સુથાર હતા. સામે કાંઠે પહોંચીને તરત જ એમણે પોતાના ખભે રાખેલા થેલામાંથી ઓજારો કાઢ્યાં. આજુબાજુ ઊગી નીકળેલા વાંસ અને જંગલી વેલાઓ કાપીને એમણે લાકડાનો પુલ બનાવવાનું શરૂ કર્યું. આવતાં-જતાં લોકોમાંથી થોડાંક માણસો આ દ્શ્ય જોઈને ઊભાં રહી ગયાં. કોઈકે વળી સુથારદાદાને પૂછી પણ લીધું, ‘કેમ દાદા શું કરી રહ્યા છો ? પુલ બનાવો છો ?’

પોતાના કામમાં મશગૂલ થઈ ગયેલા દાદાએ ઊચું જોયા વિના જ માથું હલાવી હા પાડી.

‘દાદા ! અહીં જ આસપાસમાં ક્યાંક રહો છો ?’ પસાર થતાં લોકોમાંથી કોઈક બીજાએ પૂછ્યું.

‘ના !’ દાદાએ જવાબ વાળ્યો.

‘તો પછી રોજ અહીંથી આવવા-જવાનું થતું હશે ખરું ને ?’ પ્રશ્ર્ન કરનારને આશ્ર્ચર્ય થયું હતું, કે જો આ માણસ અહીંયાં ન રહેતો હોય તો વળી એ પુલ બનાવવાની જફા શું કામ વહોરે ? નક્કી એને વારંવાર આ નદી ઓળંગવી પડતી હશે.

એનાથી કહ્યા વિના ન રહેવાયું કે, ‘દાદા ! તો પછી આ બધી માથાકૂટ મૂકોને પડતી ! કોના માટે આ પુલ બાંધી રહ્યા છો ?’

હવે એ દાદાએ ઊચું જોયું. કંઈ પણ બોલ્યા વિના પોતાની માતાનો હાથ પકડીને માંડ માંડ નદી પસાર કરી રહેલા બીજા એક બાળક સામે આંગળી ચીંધી. પછી ફરી પોતાના કામે લાગી ગયા !…

* * *

હંમેશાં પોતાની જાત માટે જ કંઈ કરવા કરતાં ક્યારેક બીજા માટે પણ કંઈક કરી છૂટીએ ત્યારે ખરેખર અતિ પ્રસન્નતાના અધિકારી બની જવાય છે અને એ કામ પછી જરાય ભારરૂપ નથી રહેતું.

એક નાનકડી ટેકરી પર એક શ્રીમંત માણસ રહેતો હતો. એનો બંગલો અતિ સુંદર હતો. બગીચો પણ ખૂબ સરસ હતો. પણ એક વાતની કઠણાઈ હતી. ટેકરી પર પાણીનો કોઈ સ્રોત જ નહોતો. પાણી છેક તળેટીમાં આવેલ કૂવામાંથી લાવવું પડતું. એ કામ એનો એક નોકર કરતો. ખભે કાવડ નાંખી એ બંને તરફ એક એક ઘડો રાખતો. તળેટીમાંથી પાણી ભરીને કાવડ દ્વારા એ ઉપર પહોંચાડતો. રોજ કંઈકેટલાયે ફેરા કરે ત્યારે એનું કામ પૂરું થતું. રોજ વહેલી સવારથી એ કામ શરૂ કરતો ત્યારે છેક બપોર સુધીમાં એ પાણી ભરી લેતો. એનો એક તરફનો ઘડો ફૂટેલો હતો. તળેટીમાંથી પાણી ભરીને એ ઉપર સુધી પહોંચે ત્યાં સુધીમાં એ ઘડામાં ભરેલું પાણી અર્ધું થઈ જતું. એના કારણે એને થોડાક ફેરા વધારે કરવા પડતા. બીજા એક નોકરે આ જોઈને એને એક દિવસ કહ્યું કે, ‘ભાઈ ! તું આટલા બધા વધારાના ફેરા કરીને હેરાન થાય છે, એના કરતાં ફૂટેલો ઘડો જ બદલી નાંખને ! આવું ફૂટેલું ઠોબરું શું કામનું ? એના લીધે જ તારે વધારે મહેનત કરવી પડે છે. તું આ સમજવા છતાં શું કામ એને ફેંકી નથી દેતો એ જ મને તો સમજાતું નથી !’ કાવડવાળો નોકર કંઈ ન બોલ્યો. એણે પેલા નોકરને આ વખતના ફેરા વખતે પોતાની જોડે આવવાનું કહ્યું. બંને ઢાળ ઊતરતા હતા ત્યારે પેલા બીજા નોકરે જોયું તો રસ્તાની એક તરફ ખૂબ જ સુંદર ફૂલો ઊગી નીકળ્યાં હતાં. એના કારણે દૂરથી પણ રસ્તો ખૂબ જ રળિયામણો લાગતો હતો. કાવડવાળા નોકરે કહ્યું, ‘ભાઈ ! મને ખબર જ હતી કે આ ઘડો ફૂટેલો છે. પણ એમાંથી ઢોળાતા પાણીનો ઉપયોગ કરવા માટે રસ્તાની એક તરફ મેં તળેટીથી છેક ઉપર સુધી ફૂલછોડ વાવી દીધા હતા. ફૂટેલો ઘડો એની મેળે જ પાણી પિવડાવવાનું કામ કરી દેતો હતો. ટેકરી પરના રસ્તા પર ખાસ પાણી પિવડાવવા માટે આવવાની આળસ આવે. એના કરતાં ફૂટેલા ઘડાની ખામીનો ઉપયોગ થઈ શકે તેવો ઉપાય કર્યો. તું જ જો ! કેવાં સરસ ફૂલો ઊગી નીકળ્યાં છે ! આ ફૂલોથી હું આપણા માલિકનું ટેબલ રોજ સવારમાં શણગારું છું. એમને ફૂલો ખૂબ જ ગમે છે. અને એનાથી એમનો આખો દિવસ ખૂબ સરસ જાય છે. માલિક ખુશ રહે એનાથી વધારે આપણે શું જોઈએ ?’ એટલું કહી એણે પોતાના ફૂટેલા ઘડા તરફ નજર નાખી. એ ઘડો ત્યારે પણ ફૂલોને પાણી પાઈ રહ્યો હતો. બીજો નોકર આશ્ર્ચર્ય સાથે આ જોઈ રહ્યો.