Archive for ઓગસ્ટ, 2013


નરેન્દ્ર દત્ત પારસમણિશા ગુરુદેવ રામકૃષ્ણની પરમકૃપાથી સંયુક્ત રાજ્ય અમેરિકા(યુ. એસ. એ.)ની વિશ્ર્વધર્મ પરિષદમાં સ્વામી વિવેકાનંદ – એ હિન્દુ મંક આફ ઈન્ડિયા – એક ભારતીય સંન્યાસી તરીકે અપૂર્વ ખ્યાતિ પામ્યા. આ સંદર્ભમાં જ્યારે સ્વામીજીને પુછવામાં આવ્યું કે : આપ્ને આવી વિરલ સફળતા પ્રાપ્ત થઈ તેનું શું રહસ્ય છે ? વિવેકાનંદજીએ પ્રત્યુત્તરમાં જણાવ્યું : ‘મેં જે વિચારો અહીં પ્રગટ કર્યા તે મારા વિચારો નથી. એ માટે તો મારા ગુરુદેવ રામકૃષ્ણ પરમહંસ (કે જેમણે કોઈ શાળા – કાલેજમાં ઔપચારિક શિક્ષણ મેળવ્યું નહોતું)ની મારા ઉપરની પરમકૃપા જ કારણભુત છે.’ ગુરુદેવ રામકૃષ્ણે તેમના અંતિમ દિવસોમાં તેમની તમામ આધ્યાત્મિક ઉર્જાનો શક્તિપાત નરેન્દ્રમાં કર્યો હતો અને તેનાથી નરેન્દ્રનું ‘વિવેકાનંદ’માં રૂપાંતર થયું હતું. ગુરુ પોતાનું સર્વસ્વ શિષ્ય માટે ન્યોછાવર કરે છે. પોતાનો શિષ્ય પોતાના કરતાં સવાયો બને તેવી અંતરની શુભકામના દાખવે છે. શિષ્ય પણ ગુરુનો ગુરુપદે સ્વીકાર કરતાં પહેલાં ગુરુને સંપૂર્ણપણે નાણી જુએ છે, પણ એકવાર ગુરુપદની ગરિમાની અનુભૂતિ થાય કે પછી શિષ્ય પૂર્ણ સમર્પણથી ગુરુચરણને હૃદયમાં સંસ્થાપિત કરે છે. ભારતીય સંસ્કૃતિમાં ગુરુ – શિષ્યનો સંબંધ અનિર્વચનીય અને અનુપમેય છે – રામકૃષ્ણ – વિવેકાનંદ પણ આવી જ વિરલ પરંપરાના જ્યોતિપુંજશા ભારતીય અધ્યાત્મ જગતને આલોકિત કરી રહ્યાં છે !’

Advertisements

મહાભારતનું યુદ્ધ લડવા કૌરવો-પાંડવો ખાંડા ખખડાવી રહ્યા હતા, ત્યારે કૌરવોના પ્રપિતામહ મહાભાગ્યવંતા વ્યાસ ભગવાને ધૃતરાષ્ટ્રને એ પ્રમાણે કહ્યું અને જણાવ્યું કે આ યુદ્ધમાં મહાસંહાર થશે, કેમકે હું અહીં એવાં ભયંકર ચિહ્નોને જોઈ રહ્યો છું. બાજો, ગીધો, કાગડાઓ, કંકો અને બગલાઓ ઝાડની ટોચો ઉપર ઊતરે છે અને ટોળાબંધ જમાવટ કરે છે. યુદ્ધથી આનંદમાં આવેલાં એ પક્ષીઓ રણભૂમિ તરફ ટાંપ્યા કરે છે, તેથી માંસાહારી પ્રાણીઓ, હાથીઓ અને ઘોડાઓનું માંસ ખાશે જ ખાશે. ભયંકર અને ભયસૂચક કંક પક્ષીઓ ચીરી નાંખતી ચિચિયારીઓ કરે છે તથા રણભૂમિની વચ્ચે થઈને દક્ષિણ દિશા તરફ ચાલ્યાં જાય છે. પૂર્વ પશ્ર્ચિમના બંને સંધ્યાકાળે, સૂર્યના ઉદય અને અસ્તની વેળાએ, હું સૂર્યને માથા વિનાના ધડોથી ઘેરાયેલો જોઉં છું. એ સંધ્યા સમયે શ્ર્વેત, રક્ત અને કૃષ્ણ એમ ત્રણ વર્ણવાળાં વીજળીભર્યાં કૂંડાળાં સૂર્યને આવરી રહ્યાં છે. તિથિક્ષયના યોગવાળી અમાસે મેં સૂર્ય-ચંદ્રના સંયોગવાળા નક્ષત્રને રાત-દિવસ પાપગ્રહથી ઘેરાયેલું જોયું છે; અને તે ભયકારક થશે. અનેક શૂરવીર રાજપુત્રો, રાજાઓ અને પૃથ્વીનાથો કપાઈને ભૂમિને આવરીને પથારી કરશે. મારા કથનને સાંભળીને તમે એવો સમયોચિત વ્યવસાય કરો કે જેથી આ સમસ્ત લોક નાશ પામે નહીં. આપણને વિચાર થાય કે અપ્રિતમ અલૌકિક આત્મશક્તિથી સંપ્ન્ન મહર્ષિ વ્યાસ અને ભગવાન શ્રીકૃષ્ણ પણ મહાભારતના મહાભયાનક યુદ્ધને નિવારી શક્યા નહીં, પરંતુ એ જ સૂચવે છે કે તે કાળનું કારણ છે, જ્યારે પ્રતિદ્વંદ્વી ઉભય પક્ષો વચ્ચેની પારસ્પરિક વાટાઘાટોના સઘળા દરવાજા બંધ થઈ જાય છે, અન્ય કોઈ વિકલ્પ બચતો નથી ત્યારે આદર્શ અને સિદ્ધાંતોની સુરક્ષા ખાતર યુદ્ધ લડવું જ પડે છે અને એ ધર્મયુદ્ધ છે. જેને ગાંડીવધારી અર્જુને કર્તવ્ય બુદ્ધિથી વીતરાગ થઈ શ્રીકૃષ્ણના માર્ગદર્શનમાં લડવું જ રહ્યું.

ગુજરાત રોજગાર સમાચાર (૭/૮/૨૦૧૩)

ગુજરાત રોજગાર સમાચાર (૩૧/૭/૨૦૧૩)