ડા. હેરલ્ડ પુટહોફ અને ડા. રસેલ ટાર્ગ ભૌતિક વિજ્ઞાનશાસ્ત્રી હોઈ અમેરિકામાં સ્ટેનફર્ડ યુનિવર્સિટી રિસર્ચ ઇન્સ્ટિટ્યૂટમાં આધ્યાત્મિક ઘટનાઓ અને આધ્યાત્મિક શક્તિ ઉપર સંશોધન કરતા હતા. તેઓ ઓક્લેન્ડ આશ્રમ ખાતે ગણેશપુરીમાં મુક્તાનંદ બાબા સાથે વિચાર-વિનિમય કરવા આવ્યા હતા. તેઓ લેસર કિરણોના ઉપયોગનું કામ કરતા હતા. મુક્તાનંદ બાબાએ કહ્યું :

ભારતના જૂના જમાનાના મહાભારત ગ્રંથમાં હાલ અવકાશમાં છોડાય છે તેવાં શસ્ત્રોનો ઉલ્લેખ છે. તે જમાનામાં કેટલીક એવી વ્યક્તિઓ હતી જેમની શક્તિ સૂર્ય અને ચંદ્ર સુધી પહોંચતી હતી પણ હવે એવા સમર્થ પુરુષો નથી. તેમનાં શસ્ત્રો ખૂબ જ નાનાં રહેતાં અને છતાં તેનાથી ઘણા દૂરનાં નિશાન ખૂબ ચોકસાઈથી પાડી શકાતાં. તે વખતે કેવળ મનની શક્તિથી અને મંત્રશક્તિથી શસ્ત્રો બનાવવામાં આવતાં. તે જમાનામાં સંતો અને દ્ષ્ટાઓ એવું તપસ્વી જીવન જીવતા કે જેથી તેમનામાં એવી શક્તિઓ આવતી અને આ શક્તિઓ અતિ શુદ્ધ એવા મનમાંથી પ્રગટ થતી. અત્યારે તો લોકો એમ જ માનતા થઈ ગયા છે કે યંત્રોથી જે જોઈએ તે મળી શકે છે. એટલે મનની શુદ્ધિની કોઈ કિંમત જ રહી નથી. લોકોને એની કોઈ જરૂર જણાતી નથી. તેમ છતાં પણ કોઈ પાસે આવી પ્રચંડ દિવ્ય શક્તિ હોય છે કે જેના બળ વડે તેઓ દીવાસળી વડે નહીં પણ કેવળ મંત્રબળથી જ અગ્નિ પ્રગટ કરી શકે છે. યૌગિક પરંપરામાં ઘણા સિદ્ધ મહાપુરુષો થઈ ગયા છે જેઓ અત્યંત શક્તિશાળી હતા. દા.ત. મારા ગુરુ. તેઓ તમારા તરફ ગમે તે વસ્તુ ફેંકે અને તમે તરત જ ધ્યાનસ્થ થઈ જાઓ. આવા લોકો વાસના અથવા ઇચ્છારહિત પૂર્ણ વિશુદ્ધ જીવન જીવતા હોવાને કારણે આવી શક્તિ સંપાદન કરે છે. મોટે ભાગે આવા મહાપુરુષો ત્યાગી જ હોય છે.

Advertisements